આજે દર 10 માંથી 7 વ્યક્તિ ઓનલાઈન છે એ વાત માં કોઈ બેમત નથી। બની શકે કેટલાય લોકો કોમ્પ્યુટર ના વાપરતા હોય પણ સ્માર્ટફોન તો લગભગ બધા પાસે છે. ટેક્સ્ટ મેસેજ ને પાછળ પાડી ને વોટ્સએપ વાપરતા વાપરતા ઈમેલ, વેબસાઈટ એક્સેસ અને અલગ અલગ કઈ કેટલીય એપ હવે હાથવગી થઇ ગઈ છે. ટૂંક માં રોટી, કપડાં, મકાન પછી આધુનિક લાઇફસ્ટાઇલ માટે ઈન્ટરનેટ પણ અત્યંત જરૂરી સ્ત્રોત છે તેમ કહી શકાય।
હવે એમાં બાળકો પણ અપવાદ નથી. કદાચ આપણા ઘરમાં કે સગા સંબંધી ના ઘર માં કોઈ 4-5 વર્ષના બાળક ને પણ ઓનલાઇન ગેમ કે યુ-ટ્યુબ પર વિડીયો ચલાવતા જોવો તો આશ્ચર્ય ના પામતા। નવી જનરેશન સ્માર્ટફોન થી રમીને મોટી થાય છે જેના માટે ઈન્ટરનેટ એક્સેસ પણ રમત વાત છે.
આ આર્ટિકલમાં આપણે પેરેન્ટ્સ, ટીચર્સ માટે ઉપયોગી તેમજ દરેક ઉમર ના બાળકો માટે સાયબર સેફટી વિષે જાણીશું।
ઈન્ટરનેટના ફાયદાઓ
ઈન્ટરનેટ ના ફાયદાઓ થી આમ તો બધા પરિચિત જ છે પરંતુ ખાસ જો બાળકો કે ટીનેજર્સ ની દ્રષ્ટિએ જોઈએ તો સ્માર્ટફોન, સ્માર્ટક્લાસ, સાયન્સ પ્રોજેક્ટ,ગેમ્સ કે અન્ય મનોરંજન, કેટલાક ટ્યુટોરિયલ્સ જેવું કઈ કેટલુંય ઈન્ટરનેટ ની મદદ થી સરળ બનવા લાગ્યું છે. દરેક વિષયો પર, અમુક ચોક્કસ શબ્દ, વસ્તુ કે ટોપિક, કોઈ નિબંધ , ઇતિહાસ , ભૂગોળ એમ લગભગ બધા વિષે ઈન્ટરનેટ પર રહેલા માહિતી ના ખજાના દરેક ને પોતાની તરફ થી આકર્ષે છે.
યુઝર-ડ્રિવન મીડિયા
એક જમાનો એવો હતો જયારે ઈન્ટરનેટ પર મોટાભાગની માહિતી પ્રોફેશનલ્સ અને મીડિયા તેમજ જે-તે વિષય ના એક્સપર્ટ દ્વારા જ મુકવામાં આવતી હતી. હવે સોશ્યલ મીડિયા ના વધતા વ્યાપ ને લીધે દરેક લોકો પોતાના મનગમતા વિષય માં સાચી-ખોટી, સારી-ખરાબ કે પોતાને જે સમજાય તે રીતે ઓનલાઇન માહિતી મુકવા લાગ્યા હોવાથી તેની વિશ્વસનીયતા પર ક્યારેક પ્રશ્ન થઇ શકે. ફેસબુક, યુટ્યુબ ઉપરાંત કેટલીય એપ્સ છે જે ન માત્ર યુઝર્સ દ્વારા ચાલે છે પરંતુ યુઝર્સ પોતેજ તેમાં ફોટો , વિડિઓ કે પોસ્ટ ના રૂપ માં માહિતી મૂકી શકે છે માટે તેને યુઝર્સ ડ્રિવન એટલે કે યુઝર્સ દ્વારા મૂકવામાં આવેલ માહિતી। આ પ્રકારની માહિતી દરેક વ્યક્તિ માટે ઓપન હોવાથી વધુ જોખમી પણ છે. બાળકો કે ટીનેજર્સ આ પ્રકારની માહિતી ના સંપર્ક માં આસાની થી આવી શકે છે જેની ઘણી સારી-નરસી અસરો છે.
ઈન્ટરનેટ ની દુનિયામાં દરેક દેશ, જાતિ સંસ્કૃતિ ના લોકો નો વિશાળ જનસમુદાય સતત સક્રિય છે. સારી વૈચારિક, પ્રેરક અને શૈક્ષણિક માહિતી ઉપરાંત કેટલીક વાંધાજનક, ઉશ્કેરણી કરતી, દ્વેષયુક્ત માહિતી નો પણ ભંડાર ઈન્ટરનેટ પર ફરતો રહે છે.
ઈન્ટરનેટ વાપરતા બધા લોકો માંથી મોટાભાગના લોકો સભ્ય અને સંસ્કારી હોય છે પણ કેટલાક ક્રિમિનલ માઈન્ડ, વિકૃત મનોવૃત્તિવાળા કે સમાજમાં નફરત કે અશાંતિ ફેલાવનારા પણ ખુલે આમ ફરતા હોય છે જેમાંથી કેટલાક લોકો પોતાની આવી નેગેટિવિટી દ્વારા બાળકો કે ટીનેજર્સ ને ટાર્ગેટ કરે છે. ટેક્નિકલી સ્માર્ટ ટીનેજર્સ પર પણ ઓનલાઇન હેરેસમેન્ટ, ઈમોશનલ તથા સોશ્યલ રિસ્ક રહે છે. ચોક્કસ માર્ગદર્શન વગર છૂટ થી ઈન્ટરનેટ કે સ્માર્ટફોન વપરતા પોતાના સંતાનો ને જોઈને મનમાં ગર્વ અનુભવતા કેટલાક નોન-ટેક્નિકલ પેરેન્ટ્સ જાણે અજાણે આવા રિસ્ક માં વધારો કરે છે.
દરેક ટીનેજર કે બાળક આવા કોઈ ઓનલાઇન ખતરા નો ટાર્ગેટ બને જ એવું જરૂરી નથી પરંતુ કેટલાક એવા કિસ્સાઓ છે જેમાં બાળકો કે ટીનેજર્સ કે તેમના પરિવાર ને સાયબર ક્રિમિનલ્સ નો ટાર્ગેટ બન્યા હોય. ઓનલાઇન હેરેસમેન્ટ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, સોશ્યલ મીડિયા હેરેસમેન્ટ, કે પછી ટ્રોલિંગ, વાંધાજનક માહિતી કે પોસ્ટ ઉપરાંત કેટલાય આવા રિસ્ક વચ્ચે આપણે તેમનું ઈન્ટરનેટ વાપરવાનું તો ના અટકાવી શકીએ પરંતુ આવા સાયબર ક્રાઇમ થી કઈ રીતે બચવું, તેના માટે શું કરવું અને સાવચેતી માટે શું કરી શકાય વગેરે ની ચોક્કસ માહિતી આપવામાં આવે, બીજા શબ્દો માં કહીએ તો બાળકો ને ‘સ્ટ્રીટ સ્માર્ટ’ બનાવવા માં તો તેઓ કોઈ પણ વિપરીત સંજોગો માં સલામત રહી શકે.
જો આપ આપના સંતાનોની ઓનલાઇન સિક્યોરિટી ઇચ્છતા હો તો તમારે ઈન્ટરનેટ, સોશ્યલ મીડિયા વગેરે થી આગળ વધી ને સિક્યોરિટી વિષે જાણકારી લેવી પડશે, સમજવું પડશે, તમારી આસપાસ બનતા નવા બનાવો, સમાચાર અને થોડી ઘણી ટેક્નિકલ સ્કિલ વિકસાવવી પડશે।
ઈન્ટરનેટ સેફટી એ વૉટર સેફ્ટી જેવું જ છે. વોટર સેફ્ટી મુજબ “સ્વિમિંગ પૂલ બાળકો માટે જોખમી બની શકે છે. જો આપ આપના બાળક ને સુરક્ષિત રાખવા માંગતા હો તો તેને ફરતે જાળી લગાવી દો , સ્વિમિંગ પૂલ ને તાળું મારી રાખો અથવા તો પૂલ એલાર્મ એક્ટિવેટ કરો. અને જો આ બધું ના કરવા માંગતા હો તો બાળક ને સ્વિમિંગ શીખવી દો.” તો તેમને તરત શીખવતા પહેલા તમારે ભુસ્કો મારવો જ રહ્યો।
ક્યાં ક્યાં ઓનલાઇન રિસ્ક હોઈ શકે ?
જેમ સાયકલ શીખવામાં પડવાનું, સ્પોર્ટ્સ માં ઇજાગ્રસ્ત થવાનું વગેરે જેમ ફિઝિકલ રિસ્ક છે તેમ જ સાયબર વર્લ્ડ માં કેટલાક ઓનલાઇન રિસ્ક છે જેના વિષે આપણે જાણીએ અને સાથે સાથે એ પણ જાણીએ કે તેનાથી કઈ રીતે બચી શકાય।
- ઓનલાઇન હેરેસમેન્ટ કે સાયબર બુલિંગ
સ્કૂલ માં એવું બનતું હોય છે કે કેટલાક તોફાની બાળકો ને અન્ય બાળકો ને પજવણી માં આનંદ આવતો હોય છે. તેવું જ કોલેજ માં થોડા મોટા લેવલ પર થતું હોય છે જેને રેગિંગ તરીકે ઓળખીએ છીએ. આ જ રીતે ઓનલાઇન પણ કોઈ સોશ્યલ મીડિયા પોસ્ટ, કોઈ ફોટો , કોઈ કમેન્ટ , શારીરિક દેખાવ, પારિવારિક કે અન્ય કોઈ પણ બાબત ને લઈને ટાર્ગેટ નું ઓનલાઇન ટ્રોલિંગ કે હેરેસમેન્ટ થાય છે. જેનું પ્રમાણ ધીમે ધીમે વધે અને અમુક સમયે જો ધ્યાન ના આપવામાં આવે તો આ હેરેસમેન્ટ ટાર્ગેટ માટે માનસિક હતાશા કે ડિપ્રેશન માં પરિવર્તિત થાય છે અને વધુ ગંભીર પરિણામ આવે છે.
ચોંકાવનારા આંકડા
- 42% ટીનેજર્સ 2016 માં સાયબર બુલિંગ નો શિકાર બનેલા નું એક રિપોર્ટ માં બહાર આવ્યું છે.
- 3 મિલિયન બાળકો તથા ટીનેજર્સ બુલિંગ ના કારણે સ્કૂલ કે કોલેજ જવાનું ટાળે છે.
- 20% બાળકો ઓનલાઇન હેરેસમેન્ટ ના લીધે આપઘાત ના વિચારો કરે છે અને 10 માંથી 1 કરે પણ છે.
- 4500 બાળકો દર વર્ષે સાયબર બુલિંગ ના લીધે સ્યુસાઇડ કરે છે
- ટીનેજર્સ પર રહેલા ખતરા માં સ્યુસાઇડ 3જા નમ્બર પર છે. (કાર એક્સીડેન્ટ પહેલા અને ગૃહક્લેશ બીજા નમ્બર પર છે.)
- બહુચર્ચિત સ્યુસાઇડ ગેમ “બ્લુવહેલ” પણ સાયબર હેરેસમેન્ટ અને બ્લેકમેલિંગ નો જ પ્રકાર છે જેમાં 6 ભારતીય સહીત 200 ટીનેજર્સ સ્યુસાઇડ કરી ચુક્યા છે.
2. વાંધાજનક પોસ્ટ કે કમેન્ટ કરવી
વૉટ્સએપ ને ફેસબુક આડેધડ પોસ્ટ કરીને કોઈ ની પર્સનલ લાઈફ કે ધાર્મિક લાગણી દુભાવવા ને લીધે ઘણી વાર મોટા પાયે માથાકૂટ થઇ જતી હોય છે અને તેના ભયંકર પરિણામ આવે છે. સુરત, વડોદરા માં આ પ્રકારની પોસ્ટ ના લીધે પોલીસ ફરિયાદ અને કેટલીક જૂથ અથડામણો પણ થઇ હોવાના બનાવો છે.
આપણી ઓનલાઇન પોસ્ટ એ આપણા વિચારોનું પ્રતિબિંબ છે. તમારી મુકેલી કોઈ પોસ્ટ બની શકે અત્યારે કોઈ અસર ના કરે પણ ભવિષ્ય માં ક્ષોભજનક પરિસ્થિતિ માં ના મૂકે તેનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ। જે પણ માહિતી જે ફોટો ઓનલાઇન મુકવામાં આવે છે તેની કોપી તેમજ રી-પોસ્ટ શક્ય છે. ફેસબુક તેમજ અન્ય કેટલાક સોશ્યલ મીડિયા તમને ઓનલાઇન પોસ્ટ ડીલીટ કરવાની સુવિધા આપે છે.
3. સિક્યોરિટી રિસ્ક
ટીનેજર હોય કે બાળકો દરેક ને ગેમ્સનો ક્રેઝ હોય જ પણ ગેમ્સ ખરીદવા કરતા ઓનલાઇન ગમે ત્યાંથી ડાઉનલોડ કરીને રમવાનો ઓપશન વધુ પસંદ કરતા હોય છે. ઓનલાઇન ટાંપીને બેઠેલા સાયબર ક્રિમિનલ્સ ગેમ ની સાથે તમારા સિસ્ટમ માં ટ્રોજન કે કોઈ પણ માલવેર ઇન્સ્ટોલ કરીને તમારી સિસ્ટમ હેક કરી શકે છે અને તેમાં રહેલી બધી માહિતી ચોરી ને કોઈ પણ ને આપી શકે છે. આ ઉપરાંત આ રીતે હેક થયેલા સિસ્ટમ ને અન્ય હેકિંગ ના ટૂલ તરીકે પણ વાપરી શકે છે. આ ઉપરાંત સ્માર્ટફોન કે કમ્પ્યુટર સિસ્ટમ માં કેટલાય પર્સનલ ફોટોગ્રાફ્સ અને અન્ય ફાઇલ્સ હોઈ શકે જે આપણી પ્રાઇવેસી પર મોટું જોખમ છે.
4. મોબાઈલ એપ્સ
ઘરમાં એક જ કમ્પ્યુટર સિસ્ટમ હોવાને લીધે થોડા વર્ષો પહેલા પેરેન્ટ્સ પોતાના સંતાન ની ઇન્ટરનેટ એક્ટિવિટી પર ધ્યાન રાખવું સરળ હતું જે સ્માર્ટફોન આવતા ચેલેંજિંગ બની ગયું છે.આજ દુનિયામાં 69% ટીનેજર્સ સ્માર્ટફોન વાપરે છે તેમાંથી 80% સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે. અવનવી એપ્સ, ગેમ્સ, વેબસાઈટથી ઘેરાયેલા બાળકો પાર ચોવીસ કલાક તો નજર ના જ રાખી શકાય તેમ છતાં ચોક્કસ માર્ગદર્શન દ્વારા તેમને સેલફોન કે ઇન્ટરનેટ ના યોગ્ય ઉપયોગ ની આદત પાડી શકાય છે.
સ્માર્ટફોન કે ઇન્ટરનેટ નો ઉપયોગ આમ તો પોઝિટિવ વિચારીને જ કરતા હોય છે પરંતુ જેમ બાઈક શીખવામાં , એડવેન્ચર સ્પોર્ટ્સ માં કે રસોઈ શીખવામાં પણ રિસ્ક તો હોય જ છે તેમ જ ઈન્ટરનેટ સર્ફિંગ માં પણ ઘણા જાણ્યા અજાણ્યા રિસ્ક છુપાયેલા છે. કેટલીક એપ્સ જરૂરિયાત ના હોવા છતાં આપણા સ્માર્ટફોન ની ગેલેરી તેમજ કોન્ટેક્ટ એક્સેસ કરવા માંગે છે. જો બાળકો ફોન વાપરતા હોય તો તેને અમુક એપ્સ કે સેટિંગ ને લોક રાખવી જોઈએ। ઓનલાઇન કન્ટેન્ટ માં ફિલ્ટર ઓન રાખવું જોઈએ।
5. લીગલ અને ફાયનાન્શીયલ રિસ્ક
કોઈ વાર બાળકો ઈન્ટરનેટ પર કોઈ અયોગ્ય માહિતી શેર કરી દેતા હોય છે જેમ કે ક્રેડિટ કાર્ડ નંબર, કોઈ વાંધાજનક ફોટો કે જાણે અજાણે શીખેલા કે સાંભળેલા કેટલાક શબ્દો જે ક્યારેક ફાયનાન્શીયલ ફ્રોડ કે કાયદેસર ની કાર્યવાહી માં પરિણમે છે.
6. પોર્નોગ્રાફી કે સેક્સટિંગ
ટીનેજર્સ માં ક્યારેક મિત્રો જોડે ટેક્સ્ટ મેસેજ કે વૉટ્સએપ કે અન્ય સોશ્યલ મીડિયા દ્વારા આ પ્રકારના મેસેજ કે અન્ય પ્રકારની વિકૃત પોસ્ટ શેર થઇ શકે છે જેના ગંભીર પરિણામો આવી શકે છે અને જાણે અજાણે તેઓ પોતાને આવેલી આ પ્રકારની પોસ્ટ ને શેર કરીને મુશ્કેલી માં મુકાઈ શકે છે. IT એક્ટ પ્રમાણે આ પ્રકારની પોસ્ટ કે માહિતી મોકલવી ગુનો છે.
સેફ્ટી માટે :
- વાલી કરતા મિત્ર બનીને સાચી દિશા માં માર્ગદર્શન દ્વારા બાળકો ને ઈન્ટરનેટ ની ખૂબી ની સાથે સાથે ત્યાં રહેલા ખતરાઓ વિષે પણ સમજાવવું જોઈએ।
- બાળકોની પોસ્ટ, ઓનલાઇન વિઝિટ પાર નજર રાખો અને કઈ અયોગ્ય લાગે તો તે કારણ સહિત સમજાવો
- જરૂરી લાગે તો પેરેન્ટલ કન્ટ્રોલ સોફ્ટવેર તેમજ એપ્સ નો ઉપયોગ કરી શકાય
- બાળકોના મિત્રવર્તુળ વિષે માહિતી રાખો, ઓનલાઇન હેરેસમેન્ટ ની શંકા હોય તો બાળક ને પૂછો।
- ઓનલાઇન શોપિંગ વખતે સાવધાની રાખતા શીખવવું જોઈએ તેમજ ક્રેડિટ કાર્ડ અને બેન્ક બેલેન્સ રેગ્યુલર ચેક કરતું રહેવું જોઈએ।
- ચર્ચા કરો , ભાષણ કે ગુસ્સો નહિ.
- પાસવર્ડ સિક્યોરિટી વિષે સમજાવો , બને તો બેકઅપ એકાઉન્ટ અને 2 સ્ટેપ વેરિફિકેશન એકટીવેટ રાખો।
- સિક્યોરિટી તેમજ મોનીટરીંગ ફીચર્સ એક્ટિવેટ રાખો અને તેને સમયાંતરે ચેક કરતા રહો.
- વેબસાઈટ તેમજ યુટ્યુબ માં કન્ટેન્ટ ફિલ્ટરિંગ ઓન રાખો।
- ઓનલાઇન માહિતી માં કઈ માહિતી પાર ધ્યાન ના આપવું , શું શેર કરવું વગેરે સમજાવવું
આ ઉપરાંત આપ પણ ઓનલાઇન સમાચાર, નવા સાયબર ક્રાઇમ , ફ્રોડ વગેરે વિષે અપડેટ રહીને આપણા સંતાન ને સ્માર્ટ પેરેન્ટ બનીને આવનારા ખતરાથી સુરક્ષિત રાખી શકો.
આર્ટિકલ અંગે આપના કોઈ પણ પ્રશ્નો તેમજ પ્રતિભાવો હોય તો ઇમેઇલ દ્વારા જરૂર થી જણાવશો। આભાર।
મિલાપ ઓઝા - ઇન્ફોર્મેશન સિક્યોરિટી એક્સપર્ટ
(Hackjacks Cyber Security)
hackjacks.blogspot.in
Comments
Post a Comment