મારી ૨ વર્ષ ની કારકિર્દી માં મને કેટલાય લોકોએ, ખાસ કરીને કોલેજ ના વિદ્યાર્થીઓએ ઘણી વાર પૂછ્યું છે કે "મારે હેકર બનવું છે. તો હું શું કરું?" અને મારા બ્લોગ્સ માં પણ પૂછવામાં આવે છે કે એક સારો હેકર કઈ રીતે બની શકાય? એવું હું શું કરું અથવા તો મારા માં કઈ લાયકત હોવી જોઈએ એક હેકર બનવા માટે? આ પ્રશ્ન નો સંતોષકારક જવાબ આપવા માટે મેં internet પર શોધખોળ કર્યા પછી મને જે કઈ માહિતી મળી તેને હું આજે અહી રજુ કરું છું.
મિત્રો, સૌપ્રથમ હેકર કઈ રીતે બનવું એ જાણવા પહેલા એ જાણવું જરૂરી છે કે ખરેખર હેકિંગ શું છે ? અને હેકર કોને કહેવાય. હેકિંગ ની સીધી અને સરળ વ્યાખ્યા નીચે મુજબ છે.
"તમારા કમ્પ્યુટર,નેટવર્ક(ઈન્ટરનેટ કે LAN દ્વારા) કે કોઈ ડીવાઈસ માં (ફોન, ટેબ્લેટ) માં કરવામાં આવતા ગેરકાયદેસર પ્રવેશ અને ઉપયોગ એ હેકિંગ કહેવાય છે."અને હેકિંગ કરતા લોકોને હેકર કહેવાય છે. હવે તમને થશે કે આવું શું કામ કરવું જોઈએ? આ તો ક્રાઈમ છે. તો તમને જણાવી દઉં કે હેકર મુખ્યત્વે ૨ પ્રકારના હોય છે.
- વાઈટ હેટ હેકર્સ (એથીકલ હેકર્સ): ધારો કે તમે તમારો ફેસબુક નો પાસવર્ડ ભૂલી ગયા(ખરેખર ના ભૂલતા ક્યારેય..)કે તમારું એકાઉન્ટ કોઈ એ હેક કરી લીધું...!!! હવે શું કરશો?ત્યારે તમારી મદદ માટે એથીકલ હેકર હોય છે કે જે તમારી પરવાનગીથી તમારા એકાઉન્ટ ને હેક કરીને તેને રીકવર કરી આપે છે. ઘણી મોટી મોટી કમ્પનીઓ પોતાના ખાનગી ડેટા તથા માહિતી ને સુરક્ષિત રાખવા માટે અને પોતાની સેક્યોરીતી સિસ્ટમ ની ચકાસણી માટે પણ એથીકલ હેકર્સની મદદ લેતી હોય છે. ટુક માં સારા હેતુ માટે તથા ઓનરની પરવાનગી થી હેકિંગ કરે તેને એથીકલ હેકર કહેવાય છે.
- બ્લેક હેટ હેકર (ક્રેકર્સ): ફિલ્મો ની જેમ આમાં પણ હીરો અને વિલન હોય છે. ક્રેકર્સ એટલે વિલન.કોઈ ની ખાનગી માહિતીની ચોરી,ઈ મેઈલ હેકિંગ, બેંક ફ્રોડ,આતંકવાદી કૃત્ય વગેરે ગેરકાયદેસર ઉદ્દેશને પાર પાડવા માટે હેકિંગ કરતા હોય તેમને બ્લેક હેટ હેકર્સ કહેવાય છે.જેના ઘણા ગંભીર પરિણામો આવી શકે છે. જેમાં કોઈવાર જેલમાં જવાનો પણ વારો આવી શકે.
તો, પોતાના જ્ઞાન અને આવડત નો સારા માર્ગે ઉપયોગ કરીને હેકર તરીકે એક ઉત્તમ કારકિર્દી બનાવી શકાય છે જે સમાજ અને દેશ ના હિતમાં છે. હેકિંગ શીખવા આવતા મારા વિદ્યાર્થીઓ ને મારો પહેલો સવાલ એ હોય છે કે હેકિંગ એટલે શું? અને તેમના જવાબો પરથી ખ્યાલ આવી જાય છે કે તેમનો હેકિંગ શીખવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે.
- હેકિંગ કઈ રીતે શીખવું? હેકિંગ શીખવા માટે શું જોઈએ?
ઘણા એવા લોકો ને મેં જોયા છે જેમની હેકિંગ પ્રત્યે ની વિચારસરણી સંપૂર્ણપણે ખોટી હોય છે.તેઓ એવી માન્યતા ધરાવે છે કે હેકિંગ શીખવા માટે અમુક Simple Tricks હોય છે જે આવડી જાય એટલે આપણે હેકિંગ કરી શકીએ.આ તો તદ્દન હાસ્યાસ્પદ વાત થઇ. માત્ર બંદુક ચાલવતા આવડી જાય એટલે કોઈ પોલીસ ઓફિસર નથી બની જતો તે જ રીતે internet પરથી અમુક tricks શીખી લેવાથી કોઈ વ્યક્તિ હેકર નથી બની જતો.
એક સારો હેકર બનવા માટે વ્યક્તિ માં કેટલાક ખાસ ગુણ હોવા જરૂરી છે.
- ધીરજ - હેકિંગ શું છે? હેકિંગ કઈ રીતે થાય છે ? એ બધું શીખવા માટે ખુબ જ સમય લાગશે. જો તમે એક ધૈર્યવાન વ્યક્તિ ના હો તો તમને ખાસ સલાહ છે કે આ મગજમારી વાળા ફિલ્ડથી દૂર રહેવું. હું પોતે છેલ્લા ૨ વર્ષ થી આ ક્ષેત્ર માં કામ કરું છું અને મને ઘણું બધું જાણવા મળ્યું છે અને જ્ઞાન વધ્યું છે પરંતુ તેમ છતાં હું હજુ શીખું જ છું અને આગળ પણ વધુ ને વધુ શીખતો રહીશ. આ ક્ષેત્ર માં હમેશા એટલું નવું નવું શીખવા માટે મળશે જેનો કોઈ અંત નથી.
- જીજ્ઞાસા - હેકિંગ શીખવા માટે નો મહત્વપૂર્ણ ગુણ છે જીજ્ઞાસા. આ આમ કેમ થયું? શું કામ થયું? ફલાણો સોફ્ટવેર શું કામ કરે છે? આ પદ્દ્ધતિ કઈ રીતે કામ કરે છે? સૌથી પહેલી હેકિંગ કોણે કરી ? હેકિંગ માટે અત્યાર ની અદ્યતન કઈ પદ્ધતિ છે... આ બધા વિચારો કોઈ ખરા અર્થ માં જિજ્ઞાસુ વ્યક્તિ ને જ આવી શકે. જેટલી જાણવાની ઈચ્છા વધુ એટલું તમારું જ્ઞાન વધશે. આ એક એવો મહત્વ નો ગુણ છે જે તમને સતત આગળ વધવા, નવું નવું જાણવા, અભ્યાસ કરવા અને કોઈ પણ ટેકનીકલ પ્રોબ્લેમ આવે તો તેનું નિરાકરણ કરવા માં મદદરૂપ થશે.
- સર્જનાત્મકતા - જયારે હેકિંગ સંબંધી કોઈ પણ કામ કરવાનું આવે ત્યારે ઘણી સમસ્યાઓ અને પડકારો નો સામનો કરવો પડતો હોય છે જેમાં તમારી તર્કશક્તિ અત્યંત જરૂરી છે. જો તમારો સ્વભાવ સર્જનાત્મક અથવા તો કૈક હટકે... કરવાની વૃત્તિ વાળો હશે તો તમને આ ફિલ્ડ માં ચોક્કસ ઉપયોગી થશે.
- સમર્પણ - જો તમે હેકિંગ શીખવા જઈ રહ્યા છો તો એક જ વાત ધ્યાન માં રાખો. "લગે રહો.....". મારા પોતાના જાતઅનુભવ પરથી હું તમને કહી રહ્યો છું કે જો તમે હેકિંગ શીખવાનું શરુ કરી રહ્યા છો તો દર અઠવાડિયા ના અમુક ચોક્કસ દિવસો નક્કી રાખજો. જો વચ્ચે ક્યાય બ્રેક લીધો તો પહેલા નું બધું જ ભુલાઈ જશે અને ફરી થી એકડો ઘૂંટવો પડશે. આમ ના થાય એ માટે તમારે પૂરતા પ્રયત્ન થી અને નિયમિત રીતે તમારો અભ્યાસ ચાલુ રાખવો પડશે.
નોંધ : એક કાબેલ હેકર તરીકે હેકિંગ શીખવું અને કોઈ નાનકડી ટ્રીક થી પાસવર્ડ જાણી લેવો એ બંને માં બહુ અંતર છે.ખાલી પાસવર્ડ ક્રેક કરતા શીખી ને તમે હેકર ના બની શકો. જો આવું જ કરવો હોય તો ઉપર દર્શાવેલા માં થી એકપણ ગુણ તમારા માં ના હોય તો ચાલશે. તેના માટે તો તમને ઓનલાઈન કદાચ કોઈ સોફ્ટવેર મળી જશે. પણ જેને સાચા હેકર બનવું છે એ આગળ વાંચે.
- નાસીપાસ ના થાઓ : હેકિંગ એ એક વિસ્તૃત વિષય છે જેમાં ઘણા વિભાગો હોય છે. જેમ કે
ઇ મેઈલ હેકિંગસોફ્ટવેર હેકિંગહાર્ડવેર હેકિંગલીનક્સ માલવેર (વાઇરસ, ટ્રોજન વગેરે )નેટવર્ક હેકિંગપાસવર્ડ ક્રેકિંગસેલફોન હેકિંગ સાયબર ક્રાઈમ અને બીજા ઘણા ઘણા..
જયારે પણ તમે હેકિંગ શીખવાનું શરુ કરો ત્યારે તમે પહેલા કોઈ પણ એક વિષય ને પકડો અને એમાં જ આગળ વધો. જયારે મેં શીખવાનું શરુ કરેલુ ત્યારે મારે જલ્દી થી બધું જ શીખી લેવું હતું. અને એટલા માટે જ હું બધું ફટાફટ ઉપરછેલ્લું વાચી ગયેલો. ૨ મહિના પછી સમજાયું કે મોટાભાગના વિષયોની મને ખાલી મૂળભૂત માહિતી જ ખબર હતી. તેની પાછળ નું લોજીક તો કઈ ખબર જ ન હતી.અને તેને રીયલ લાઈફ માં પણ કઈ રીતે ઉપયોગ થાય ઇ પણ કશી ખબર ન પડી. ત્યારબાદ મેં અમુક ચોક્કસ વિષય પર ધ્યાન આપવાનું શરુ કર્યું અને એમાં ઊંડા ઉતારવાનું શરુ કર્યું ત્યારે ખબર પડી કે ઉપરછેલ્લા જ્ઞાન થી કોઈ લાભ થતો નથી
જયારે તમે હેકિંગ શીખવાનું શરુ કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે તમારી પાસે હેકિંગ માં ઉપયોગી સોફ્ટવેર નો ભંડાર ઈન્ટરનેટ પર હાજર છે. પરંતુ આમાં થી તમારા માટે ખરેખર ઉપયોગી સોફ્ટવેર ક્યા છે તે જાણકારી લઇ અને તે કઈ રીતે કામ કરે છે? શા માટે કરે છે તે જાણવું જરૂરી છે.જો આ સોફ્ટવરે ડાઉનલોડ કરી ને તમે સીધા જ હેકિંગ કરવા મંડી પડો તો તમે સાચા હેકર ના કહેવાઓ. આ બધા સોફ્ટવેર કઈ રીતે કામ કરે છે અને તેનો મુખ્ય હેતુ, તેની કાર્ય કરવાની પદ્ધતિ વગેરે જાણ્યા પછી જ તમારા મગજ ના દરવાજા ખુલશે. અને ત્યારે જ તમે જે તે સોફ્ટવેર ની પાછળ નો મુખ્ય સિદ્ધાંત તેની મર્યાદા શું છે તે જાની શકશો અને ખાસ તો તેનો ઉપયોગ કાયદેસર છે કે ગેરકાયદેસર એ જાણી લેવું જરૂરી છે.
હેકિંગ શીખવાનું શરુ કરો ત્યારે કોઈ પણ એક વિષય પર રીસર્ચ કરો.સ્માર્ટ હેકર હમેશા પોતાની રીતે જ રિસર્ચ કરીને જ માહિતી મેળવતા હોય છે, હા...એમાં કોઈ ને કોઈ નું માર્ગદર્શન જરૂર મેળવતા હોય છે પણ નાની નાની વસ્તુઓ માટે તો હેકિંગ માટે સેલ્ફ લર્નિંગ જ ખૂબ અગત્ય નો ભાગ ભજવે છે. અને તેનો ફાયદો એ છે કે તમે સામાન્ય કરતા ૧૦ ગણું શીખી શકશો.અને કદાચ કોઈ માર્ગદર્શક ના પણ હોય, આપણો બેસ્ટ ફ્રેન્ડ ગૂગલ તો છે જ...!!!
- પ્રોગ્રામિંગ: આખરે, તમારે પ્રોગ્રામિંગ તો શીખવું જ રહ્યું. પ્રોગ્રામિંગ શીખી જવાથી તમે એક હેકર ની જેમ ઘણું બધું કરવા માટે સમર્થ હશો.તમે જો શીખી ગયા કે પ્રોગ્રામ કેમ અને કેવી રીતે કામ કરે છે તો તમે પોતે જાણી શકશો કે વેબસાઈટ કે સોફ્ટવેર ની ખામીઓ કઈ કઈ છે અને તમે જાતે પણ પ્રોગ્રામ્સ બનાવી શકશો.પ્રોગ્રામિંગ આવડી જવાથી તમને હેકિંગ ના ફિલ્ડ માં આધુનિક અને લેટેસ્ટ ટોપિક શીખી શકશો. કદાચ પ્રોગ્રામિંગ તમને કંટાળાજનક લાગે પણ તેના વિના ક્યારેય તમે એક સફળ હેકર નહિ બની શકો કેમ કે તેમાંથી જ તમે કેવી રીતે ક્રિમિનલ્સથી બચવું,કઈ રીતે એટેક કરવો, પોતાની સિસ્ટમ કે નેટવર્કને વાઇરસ વગેરેથી બચાવવી વગેરે આવડશે.
- ઓપરેટીંગ સીસ્ટમ : તમારા દિમાગને ક્યારેય પણ એક જ ઓપરેટીંગ સીસ્ટમ પુરતું મર્યાદિત ના રાખો.લીનક્સ શીખો.ઈન્ટરનેટ પર રહેલા લાખો સર્વર્સ લીનક્સ પર ચાલે છે અને એટલે લીનક્સ કઈ રીતે કામ કરે છે તે જાણવું જરૂરી છે. સાથે સાથે માર્કેટ ના ટ્રેન્ડ પ્રમાણે એપલ ના ધરખમ વેચાણ ને લીધે તેની Mac ઓપરેટીંગ સિસ્ટમ વિષે પણ માહિતી હોય તો વધુ સારું.
- વાંચન: હેકિંગ શીખવા માટે ઘણા પ્રખ્યાત લેખકોની ઘણી બુક્સ બજાર માં ઉપલબ્ધ છે ઉપરાંત ઈન્ટરનેટ ઉપર પણ શ્રેષ્ઠ બુક્સ નો ખજાનો હાજર છે જે તમને ફ્રી અથવા તો પેમેન્ટ કરી ને મળી શકશે.
માત્ર પુસ્તકો વાચવા ઉપરાંત તમારે હેકિંગ ની કોમ્યુનીટી ધરાવતી વેબસાઈટ પણ જોવી જોઈએ. શ્રેષ્ઠ હેકર્સ ની કોમ્યુનીટી પરથી તમને ઘણું ઘણું નવું જાણવા મળે છે અને તમે તમારા ફિલ્ડથી હંમેશા અપડેટ રહો છો. હેકિંગ પરના બ્લોગ્સ અથવા ન્યુઝ સાઈટ જોઈન કરી શકો. ગૂગલ ફીડર નો ઉપયોગ કરો.
બીજો એક ઉપાય કહું છું. જયારે પણ તમને કૈક નવું શીખવા કે જાણવા મળે ત્યારે તેના પર પ્રોગ્રામ બનાવો, તે અંગે કોઈ બ્લોગ કે આર્ટીકલ લખો. વિડીયો બનાવો, હેકિંગ ફિલ્ડ માં રસ ધરાવતા મિત્રો સાથે ચર્ચા કરો. ટુક માં તમારી બુદ્ધિરૂપી કુહાડીની નિયમિત ધાર કાઢતા રહો.
તો હવે તમને ખબર છે કે એક હેકર બનવા માટે શું કરવું પડશે, જો આ બધું કરવા તૈયાર હોય તો આ ફિલ્ડ માં તમારું સ્વાગત છે. જુઓ, જાણો, સમજો, અને શીખો. છેલ્લે એક વાત કહી દઉં મિત્રો, કે પોતાનું જ્ઞાન અને આવડત નો ઉપયોગ હમેશા સારા માર્ગે, કોઈ ને મદદરૂપ થવા માટે કરવો જોઈએ. જો એમ કરશો તો ભવિષ્ય ઉજ્જવળ છે. પરંતુ જો કોઈ ખોટા કામ માં સપડાઈ જશો તો પરિણામ ગંભીર આવી શકે. બંદુક સૈનિક પાસે પણ હોય છે અને આતંકવાદી પાસે પણ.. પણ કોનો ઉપયોગ સમાજ ના હિત માટે છે એ આપણે બધા જાણીએ છીએ. આભાર.
આપના આ આર્ટીકલ અંગે આપના પ્રશ્નો તથા પ્રતિભાવો મને આપ ફોન કે ઈમેઈલ દ્વારા જણાવી શકો છો. તથા મારા બ્લોગ ને join કરી ને પણ આ ફિલ્ડ વિષે રસપ્રદ માહિતી મેળવી શકો છો.
સરસ
ReplyDelete