હેલ્લો ફ્રેન્ડઝ , મારા પાછલા આર્ટીકલ "ફેસબુક હેકિંગ :ટીપ્સ એન્ડ ટ્રીક્સ" ને મળેલા સફળ પ્રતિસાદ તથા ઘણા વાચકમિત્રોની ખાસ ફરમાઇશને ધ્યાનમાં લઇ ને આજે ફરી આપ સમક્ષ આપના મનગમતા ફેસબુક પર જ મારો નવો આર્ટીકલ ફેસબુક પ્રાયવસી પર રજૂ કરી રહ્યો છું।
આગળ વધતા પહેલા ચાલો જરા ઈતિહાસ ના પાના ફંફોળી લઈએ અને જાણીએ કે આ ફેસબુક આખરે આવ્યું કઈ રીતે અને કઈ રીતે તેણે વિશ્વની સૌથી મોટી સોશ્યલ નેટ્વર્કિંગ વેબ્સાઈટનું બિરુદ મેળવ્યું। હાવર્ડ યુનિવર્સીર્ટી માં અભ્યાસ કરતા માર્ક ઝુકરબર્ગ દ્વારા 2004 માં ફેસબુક અસ્તિત્વ માં આવ્યું જેનું સાચું નામ "ધ ફેસબુક" હતું . શરૂઆતના દિવસો માં કેમ્પસ માં તે ખાસ્સું લોકપ્રિય બની ગયેલું . થોડા સમય બાદ ઝુકરબર્ગ દ્વારા અન્ય બે વિદ્યાર્થીઓ ડસ્ટન મોસ્કોવીત્ઝ અને ક્રીસ હેગ્સ ને પોતાના સહાયક તરીકે નિમણુક કરવામાં આવી। અને પછી તો થોડા જ મહિનાઓમાં સમગ્ર દેશમાં બધી જ કોલેજોને સાંકળીને "ધ ફેસબુક" સફળતા ના શિખરો સર કરવા માંડી।
આજે ફેસબુક વિશ્વમાં 1.01 બિલીયન યુઝર્સ સાથે ટોપ સોશ્યલ નેટવર્કીગ વેબસાઈટ છે .જેમાં 4.5 મિલિયન લોકો મોબાઈલ દ્વારા પણ ફેસબુક વાપરે છે . ફેસબુક વાપરનારા ટોપ 10 દેશો માં ભારત 3જા સ્થાન પર છે .અત્રે આપને જણાવી દઉં કે ભારતમાં 7 કરોડ થી વધુ લોકો ફેસબુક પર છે .એક અંદાજ પ્રમાણે ફેસબુક યુઝર્સ ની સરેરાશ સંખ્યા માં દર વર્ષે 26 % નો વધારો થઇ રહ્યો છે .(આવનારા જમાનામાં કોઈ એવું પણ પૂછી શકે "અરે રે ... તમે ફેસબુક પર નથી ??? ક્યાં જમાના માં જીવો છો ભાઈ ...??" )
તો આવી રીતે સડસડાટ સફળતાની સીડી ચડીને ફેસબુકે વિશ્વવ્યાપી સન્માન તો મેળવી લીધુ પરંતુ મહત્વનો પ્રશ્ન તો આ સફળતા ને ટકાવી રાખવાનો છે .અને આ જવાબદારી બંને પક્ષે સમાન છે. આપણે જોઈએ છીએ કે આજે લોકો પોતાની ઝીણી ઝીણી વિગતો , ખાવા પીવાનું , ક્યાં જાય છે .. શું કરે છે બધું જ બેફામ ફેસબુક પર અપડેટ કરે છે .કદાચ કોઈ છાપા ન વાંચે તો પણ કેટલાય ન્યુઝ અપડેટ તો આપણને ફેસબુક પરથી મળી રહે છે. તો , ફેસબુક વાપરવાની તો બહુ મજા આવે છે , પરંતુ આપના એકાઉન્ટની સિક્યોરીટી વિષે આપ કેટલા જાગૃત છો ....???
- શું આપને ખબર છે કે આપનું ફેસબુક એકાઉન્ટ કેટલા લોકો જોઈ શકે છે?
- શું આપને ખ્યાલ છે કે આપે મુકેલ ફોટોગ્રાફ્સ કોઈ અજાણ્યો શખ્સ જોઈ શકે છે કે નહિ ?
- આપના કેટલા અને કોણ કોણ મિત્રો છે તે કોઈ બહારની વ્યક્તિ જાણે શકે કે કેમ?
- કોઈ આપનું ફેસબુક એકાઉન્ટ ખોલે તો તમને કેમ ખબર પડે ?
ફેસબુક સિક્યોરીટી ને લગતા આ ઉપરાંત એવા ઘણા બધા સવાલો આપને થતા હશે જેમાંથી શક્ય તેટલા જવાબો આપને આજે મળી શકશે . ફેસબુક આપણને ખુબ જ ઉત્કૃષ્ટ કક્ષાની સુરક્ષા સુવિધાઓ પૂરી પાડે છે જેથી આપને સંપૂર્ણ સુરક્ષિત રહીને સોશ્યલ નેટવર્ક નો સાચો આનંદ માણી શકીએ .
તજજ્ઞોના મત પ્રમાણે ફેસબુક સિક્યોરીટીના મુખ્યત્વે 2 લેવલ હોય છે .
1 . બેઝીક લેવલ સિક્યોરીટી
2 . એક્સપર્ટ લેવલ સિક્યોરીટી
અહી આપને બંને લેવલની સિક્યોરીટી વિષે વિસ્તૃત જાણકારી આપીશું। તો ચાલો શીખી લો કે આપના ફેસબુક એકાઉન્ટ ને કઈ રીતે તમે વધુ ને વધુ સુરક્ષિત બનાવી શકો।
1. બેઝીક લેવલ સિક્યોરીટી : બેઝીક લેવલ ની સિક્યોરીટી દરેક ફેસબુક યુઝર માટે ખુબ જરૂરી છે . જેનાથી આપ પોતાનું એકાઉન્ટને મૂળભૂત રીતે સુરક્ષિત કરી શકો છો .
- પાસવર્ડ : સૌથી જરૂરી મુદ્દો છે આપનો ફેસબુક પાસવર્ડ . ફેસબુક હેકિંગ ના આર્ટીકલ માં મેં જણાવ્યું હતું કે ગમે તેટલો અંગત વ્યક્તિ હોય .. ક્યારેય આપનો પાસવર્ડ કોઈની સાથે શેર ના કરો તથા આપનો પાસવર્ડ હમેશા સ્ટ્રોંગ રાખો જેમાં આલ્ફાબેટ, સિમ્બોલ્સ અને નંબર નો સંયુક્ત સમાવેશ હોય . ઉપરાંત ક્યારેય આપનો પાસવર્ડ લખીને ના રાખવો તેમજ દર મહીને આપનો પાસવર્ડ બદલતા રહો .
- જનરલ એકાઉન્ટ સેટિંગ : આપના ફેસબુક પેજની જમણી બાજુએ ઉપરની તરફ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે સેટિંગ નું બટન આવેલુ હોય છે જ્યાંથી આપ આપના એકાઉન્ટ માં કેટલાક મૂળભૂત ફેરફારો કરી શકો છો . જેમ કે આપનું ફેસબુક યુઝરનેમ, ફેસબુક સાથે સંકળાયેલું ઈ-મેઈલ એકાઉન્ટ , આપનો પાસવર્ડ બદલવો , છેલ્લો ક્યારે પાસવર્ડ અપડેટ કરેલો વગેરે માહિતી અહીંથી મળે છે . અહી દર્શાવેલ તસ્વીરમાં છેલ્લે આપેલા ઓપ્શન Download a Copy દ્વારા આપના આખા ફેસબુક એકાઉન્ટ ની અત્યાર સુધીની બધી જ અપડેટ્સ,સ્ટેટસ ,ફોટો તથા મેસેજ ની લાંબીલચક યાદીને વર્ડ ફાઈલ માં ડાઉનલોડ કરીને સાચવી શકો છો .
- સિક્યોરીટી : General Account Setting ની નીચે જ Security નો ઓપ્શન આવેલો છે . જેના વડે આપ આપના એકાઉન્ટ ને વધુ સુરક્ષિત કરી શકો .
- Secure Browsing : અહી આપ ફેસબુક ની બ્રાઉઝર સિક્યોરીટી ઇનેબલ/ડિસેબલ કરી શકો છો . જે સેફ સર્ફિંગ માટે હિતાવહ છે .
- Login Notifications : સૌથી ઉપયોગી એવી આ લિંક વડે આપ જયારે જયારે પણ લોગીન થાઓ છો કે તરત જ તમને ઈ-મેઈલ કે ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવે છે કે આપ ક્યારે લોગીન થયા તથા તે સમય સાથે બતાવે છે।
- આ ઉપરાંત તમે કઈ કઈ ડીવાઈસ પરથી લોગીન થાઓ છો (ઓફિસ કમ્પ્યુટર , હોમ કમ્પ્યુટર , લેપટોપ પબ્લિક સાયબર કાફે વગેરે કે જ્યાંથી તમે ફેસબુક લોગીન કર્યું હોય ) તેની યાદી રાખી શકો છો .
તો આ પ્રમાણે અનુસરીને આપ આપનું ફેસબુક એકાઉન્ટ ઘણાખરા અંશે સેફ રાખી શકો છો . તેમ છતાં જો કોઈ વાર આપ ફેસબુક થી કંટાળી જાઓ તો અહીંથી જ તેને De-Activate પણ કરી શકો છો .
2. એક્સપર્ટ લેવલ સિક્યોરીટી : ઉપર જણાવ્યા મુજબ આપણે ફેસબુક એકાઉન્ટ ને પ્રાયમરી લેવલ પર સિક્યોર રાખી શકીએ . પરંતુ જો આપ ફેસબુકના બહુ શોખીન છો તો આપે બેઝીક સિક્યોરીટી ઉપરાંત પણ ઘણી સિક્યોરીટી રાખવી પડશે જેથી આપ ફેસબુક પર સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકો . આ માટે આપને પોતાના ફેસબુક એકાઉન્ટ ના પ્રાઈવસી સેટિંગ સેટ કરવાના છે . તો ચાલો જાણીએ કે પ્રાઈવસી સેટિંગસ વડે આપણે ફેસબુક સિક્યોર કઈ રીતે રાખી શકીએ .
- who can see my stuff ? : ફેસબુક પર કરોડો લોકો ના એકાઉન્ટ છે, બધા પોત પોતાની વાતો , વિચારો, ફોટોગ્રાફ્સ , વિડીયો બિન્દાસ શેર કરતા હોય છે . પરંતુ આપને ખ્યાલ છે કે આપે મુકેલી પોસ્ટ કોઈ એવું વ્યક્તિ તો નથી જોઈ રહ્યું ને જેને આપ ઓળખતા પણ નથી . જો એવું હોય તો આપની પ્રાઈવસી ખતરા માં છે . આપના અંગત ફોટોગ્રાફ્સ કે આપની અંગત માહિતી લીક થઇ શકે અથવા તો તેનો દુરુપયોગ થઇ શકે . આવું ના થાય એના માટે હમેશા આપના પોસ્ટ ને એ રીતે સેટ કરો કે જેથી આપની અંગત માહિતી માત્ર આપના મિત્રો જ જોઈ શકે . આપ custom ઓપ્શન વડે ખાસ એટલા જ મિત્રો ને જ આપની પ્રાઇવેટ પોસ્ટ બતાવી શકો છો . ત્યારબાદ આપેલા Activity Log માં આપે મુકેલી પોસ્ટ , આપને ટેગ કરાયેલી પોસ્ટ વગેરે વગેરે તમામ માહિતી મળી શકે છે .
- who can look me up ? : કેટલાય લોકો પોતાના મેઈલ આઈડી અને ફોન નંબર પણ રાખે છે કે જેથી તેમના મિત્રો તેમનો સંપર્ક કરી શકે . પરંતુ આ ફોન નમ્બર કોઈ અજાણી વ્યક્તિ પાસે ના જાય અથવા તો મેઈલ આઈડી નો દુરુપયોગ ના થાય એટલા માટે આ ઓપ્શન ફ્રેન્ડસ પુરતો લીમીટેડ રાખો .
- Timeline & Tagging Settings : નીચે દર્શાવેલ ચિત્ર પ્રમાણે આપની Timeline પર કોણ કોણ પોસ્ટ કરે શકે, કોણ આપને પોતાની પોસ્ટમાં ટેગ કરી શકે તે બધું સેટ કરી શકો છો . પ્રસ્તુત ચિત્ર માં આદર્શ નમૂનારૂપે સેટિંગ મુકેલા છે જે આપને પુરતી સિક્યોરીટી જાળવવામાં મદદરૂપ થશે .
- Manage Blocking : જેટલી સુવિધા તેટલી દુવિધા ધરાવતા ફેસબુક પર ક્યારેક ક્યારેક અણગમતા કે અજાણ્યા વ્યક્તિઓની ફ્રેન્ડ રીક્વેસ્ટ , ગેમ્સ કે એપ્લીકેશન ની વારંવાર આવતી રીક્વેસ્ટ વગેરેથી કંટાળી જતા હોઈએ છીએ . તો આ માટે ફેસબુક બ્લોક કરવાની સુવિધા પણ આપે છે . એન્ટીવાયરસ સોફ્ટવેરમાં જેમ ફાયરવોલ વડે અણગમતા અને અજાણ્યા સોફ્ટવેર કે પેજને બ્લોક કરી દેવામાં આવે છે તેજ રીતે અહી પણ આપને નડતી વ્યક્તિઓ કે એપ્લીકેશન્સ ને બ્લોક કરી શકો છો .
- Notification Settings : આપના એકાઉન્ટ સંબંધિત દરેક એક્ટીવીટીનો આપ ઈ-મેઈલ રેકોર્ડ રાખી શકાય તે માટે હમેશા ઈ-મેઈલ નોટીફીકેશન ઓન રાખો . જેથી આપ ક્યારે ફેસબુક પર લોગીન થયા, શું કર્યું વગેરે ઈ-મેઈલ સ્વરૂપે આપની પાસે રહે . જો આપ ઈ-મેઈલ કરતા પણ ઝડપી અપડેટ લેવા માંગતા હોય તો આપના મોબાઈલ દ્વારા પણ Activate Text Messaging વડે મેળવી શકો છો . પરંતું શક્ય છે કે દિવસ ના સરેરાશ 50-100 જેટલા ફેસબુક ના મેસેજ થી કંટાળીને આ સર્વિસ De-Activate કરી નાખો તો નવાઈ નહિ . આ ઉપરાંત આપને કઈ કઈ બાબતો ની નોટીફિકેશન જોઈએ છે તે પણ અહીંથી સેટ કરી શકો છો .
તો આ રીતે સેફટી સેટિંગ દ્વારા આપ ફેસબુક નો આનંદ સુરક્ષા સાથે માણી શકો છો . ઉપરાંત કેટલાક આપને અમુક બાબતો નું ધ્યાન રાખવું પડશે જેથી આપ ફેસબુક સંબંધિત સાયબર ક્રાઈમ સામે સુરક્ષિત રહી શકો .
- આપના પાસવર્ડ અંગે હમેશા સ્માર્ટ રહો . ક્યારેય ના તો પાસવર્ડ શેર કરો કે ન તો લખી રાખો .
- નકલી એકાઉન્ટ થી સાવધાન રહો . જે વ્યક્તિને તમે ઓળખતા ના હો તેવા લોકોની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારશો નહિ .
- શંકાસ્પદ ફેસબુક એકાઉન્ટ ને તરત જ બ્લોક કરી દો .
- ફ્રેન્ડ લીસ્ટ ને હંમેશા અપ-ટુ-ડેટ રાખો . લાંબા સમયથી નિષ્ક્રિય ફ્રેન્ડ અંગે સાવધ રહો .
- કોઈ પ્રકારની સ્પામ એપ્લીકેશન ને એડ કરવી નહિ .
- ફેસબુક પરના ફોટો આલ્બમ ની પ્રાઈવસી સેટ કરી રાખો .
- વારંવાર દેખાતી ભ્રામક જાહેરાતો પર વિશ્વાસ મુકીને પોતાની એકાઉન્ટ ડીટેઇલ શેર ના કરવી .
- ચેટીંગ કરતી વખતે આપને પરેશાન કરતી વ્યક્તિને ચેટ બ્લોક લીસ્ટ માં મૂકી શકો છો .
- ફેસબુક હેકિંગ માટેના ખોટા ટુલ્સ કે સોફ્ટવેર થી દુર જ રહો . દરેક ની પ્રાયવસી ને માન આપો .
મિત્રો , આવનારો યુગ ટેકનોલોજી ક્ષેત્રે સોનાનો સુરજ લઈને આવી રહ્યો છે . આજથી 10 વર્ષ પહેલા કલ્પના પણ નહોતી કે આવી રીતે દરેક વ્યક્તિ એકબીજાના સતત સંપર્ક માં રહી શકશે . અને આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા વર્ષોમાં સોશ્યલ નેટવર્કિંગ ક્ષેત્રે કઈ કેટલાય અવનવા સંશોધનો થશે . પણ આ બધામાં આપણે પોતાનું સ્થાન સુરક્ષિત રહીને ટેકનોલોજી ના વરદાનનો સાચો ઉપયોગ કરીએ તે હિતાવહ છે .
Comments
Post a Comment